STORY : TOP 10

માન્યતાઓને બદલતા શીખીએ Download
પ્રાણીવિજ્ઞાનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન કર્યુ. જ્યારે બચ્ચુ ઇંડામાંથી બહાર આવે ત્યારે તુંરત જ એની માંની પાછળ દોડવા માંડે. સંશોધકે પોતાના સતત નિરિક્ષણથી જોયુ કે ઇંડામાંથી બહાર નીકળતું બચ્ચુ સૌથી પહેલા જેને જુવે છે એને જ પોતાની મા સમજે છે અને એની પાછળ દોડે છે.

આ સંશોધકે કેટલાક ઇંડાઓ પર સંશોધન કર્યુ. જ્યારે ઇંડામાંથી બચ્ચુ બહાર નીકળવાની તૈયારી હોય એ વખતે મરઘીને ઇંડાથી દુર કરીને મરઘીની જ્ગ્યાએ એના આકારનો એક હવા ભરેલો ફુગ્ગો રાખવામાં આવ્યો. બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળ્યુ અને એની પહેલી જ નજર આ ફુગ્ગા પર પડી. પછી ફુગ્ગાને ખસેડવામાં આવ્યો તો બચ્ચુ પણ ત્યાં જ ગયુ.

બચ્ચુ ફુગ્ગાની પાછળ દોડા-દોડી કરે. એને સાચી મરઘી પાસે લઇ જવામાં આવે તો એનાથી ડરે અને દોડીને ફુગ્ગા પાસે પાછું આવી જાય. ફુગ્ગાને પોતાની મા સમજીને એને ચોંટી રહે. ભુખ લાગે એટલે પોતાની ચાંચ આ ફુગ્ગા પાસે જઇને પહોળી કરે જેથી એને એની મા ખાવાનું આપે. ફુગ્ગા તરફથી કોઇ પ્રતિભાવ ન મળે તો પણ એ ફુગ્ગાને છોડવા તૈયાર થાય નહી.

એણે જેટલા ઇંડા પર પ્રયોગ કર્યો એ તમામમાં એને આ જોવા મળ્યુ. મરઘીનું બચ્ચુ ભુખ્યુ મરી ગયુ પણ એને ફુગ્ગાથી દુર જવાનું પસંદ ન કર્યુ કારણકે ફુગ્ગો જ એને મા લાગતી હતી. સંશોધકે પોતાના તારણમાં નોંધ્યુ કે જે એને પહેલા દેખાયુ એ જ એને સત્ય મનાયુ.

આપણે પણ આ મરઘીના બચ્ચા જેવા જ છીએ પહેલી વખત કોઇના વિષે જે માન્યતા બંધાય છે એ આપણે છોડી શકતા જ નથી. માન્યતાઓને બદલતા શીખીએ નહીતર મરઘીના બચ્ચાની જેમ મરી જઇશુ અને સત્યથી દુર રહી જઇશુ.

જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે Download
એક વેપારી પોતાના ઘરાકને મધ આપતો હતો. અચાનક એના હાથમાંથી મધ ભરેલું વાસણ છટકીને નીચે પડી ગયું. જમીન પર ઢોળાયેલા મધમાંથી જેટલું મધ ઉપર ઉપરથી લઇ શકાય એટલું મધ લઇ લીધુ બીજુ જમીન પર જ પડી રહ્યુ.

મધની મીઠાશના લોભથી ઘણીખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઇ. મીઠું મીઠું મધ એમને ખુબ જ ભાવતું હતું આથી એ મધ ચાટવા લાગી. મધ ચાટવામાં એવી તો મશગુલ બની ગઇ કે ધીમે ધીમે એની પાંખો મધમાં ચોંટી રહી હતી એનો ખ્યાલ પણ ન રહ્યો. મધથી પુરે પુરુ પેટ ભરાઇ ગયુ અને ઉડવાનો પ્રયાસ કર્યો પણ ઉડી જ ન શકી.

પોતાની જાતને બચાવવા ખુબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઇ બેઠી. અરે આશ્વર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે જુની માખીઓની દુર્દશા જોતી જ હતી આમ છતા પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી.જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે. ક્યાં અટકવું એનું પ્રમાણભાન ન હોય તો જીવન બરબાદ થતા બીલકુલ વાર ન લાગે.

પ્રત્યેક જીવ પરમાત્માનું સર્જન છે. Download
એક દેવળ હતુ, ભગવાનને રહેવાનું સ્થળ. આ દેવળની વિશેષતા એ હતી કે એ માત્ર ગોરી ચામડીના લોકો માટેનું જ હતુ. ગોરી ચામડી ન હોય એવા કોઇ વ્યક્તિને આ દેવળમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. આ દેવળ જે વિસ્તારમાં હતુ તે વિસ્તારમાં વસ્તા કાળી ચામડીના લોકો પ્રભુને પ્રેમ કરતા હોવા છતા પ્રાર્થના માટે દેવળમાં જઇ શકતા ન હતા.

કદાચ કોઇ કાળી ચામડીનો માણસ ભૂલથી પણ જો આ દેવળમાં આવી પહોંચે તો એનું ભયંકર અપમાન કરીને એને પાછો કાઢવામાં આવતો હતો. એકદિવસ એક કાળી ચામડીનો નવયુવાન આ દેવળમાં ભગવાનને પ્રાર્થના કરવા માટે આવ્યો. દેવળમાં પ્રવેશ કરે એ પહેલા જ એને અટકાવવામાં આવ્યો અને હવે પછી ભવિષ્યમાં ક્યારેય આ દેવળ તરફ ફરકવુ પણ નહી એવી ચેતવણી આપવામાં આવી. યુવકે ત્યાં રહેલા લોકોને વારંવાર વિનંતી કરી. એમણે કહ્યુ , " હું પ્રાર્થના કરીને જતો રહીશ અંદર બેસીશ પણ નહી મહેરબાની કરીને મને પ્રવેશવા દો." પણ કોઇ ગોરા ભક્તોના બહેરા કાને એની પ્રાર્થના સંભળાઇ જ નહી.

કાળી ચામડીનો આ યુવક દેવળની નજીક આવેલા એક જાહેર બચીચામાં બેસીને ખુબ રડ્યો. સતત ભગવાનને ફરીયાદ કરતો હતો કે પ્રભુ મે એવા તે શું પાપ કર્યા છે કે મને આ દેવળમાં પ્રવેશ આપવામાં નથી આવતો ? શું માત્ર ગોરી ચામડીના લોકોને જ તારી ભક્તિ કરવાનો અધિકાર છે ? અમારી કાળી ચામડીનું સર્જન તો તે જ કર્યુ છે ને પ્રભુ ? તો પછી અમે તમને કેમ મળી શકતા નથી?"

યુવાનની આ વાતો સાંભળીને ખુદ ભગવાન ત્યાં હાજર થઇ ગયા. ભગવાનને પોતાની સામે જ ઉભેલા જોઇને યુવાન તો નાચવા લાગ્યો. ભગવાનને એને પોતાની પાસે બોલાવ્યો અને એને પ્રેમથી ભેટ્યા પછી પુછ્યુ, " બોલ, બેટા શું ફરીયાદ હતી? " યુવાને કહ્યુ, " પ્રભુ આ સામેના દેવળમાં મને પ્રવેશવા નથી દેતા. આવુ કેમ ?" ભગવાન ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ, " અરે ભાઇ, એ લોકો મને પણ પ્રવેશવા નથી દેતા તો તારો વારો ક્યાંથી આવે ? "

મિત્રો, જ્યાં ભગવાને પોતે જ બનાવેલા માણસો સાથે ભેદભાવ રાખવામાં આવે ,ત્યાં ભગવાન કદી હોતા નથી. આ જગતનો પ્રત્યેક જીવ પરમાત્માનું જ સર્જન છે માટે દરેકને અપનાવતા શીખીએ અને તો જ પ્રભુની નજીક જઇ શકાશે.

બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ Download
13 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.

છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે " આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો."

વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.

ડોકટરે છોકરીની માતાને કહ્યુ, " તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગિત અને નૃત્યની શાળામાં મોકલો. ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.
શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.
મિત્રો, ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.

ગેરસમજણ સંબંધોને કોરી ખાય છે. Download
એક ખેડુત હતો. એણે પોતાના કુતરાને ખુબ સારી તાલીમ આપીને પાણી પર ચાલતા શિખવ્યુ. ખેડુતે વિચાર્યુ કે મારા કુતરાની આ અનોખી આવડતને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના એક મિત્રને કહ્યુ કે તુ તારો વિડીયો કેમેરા લઇને આવ આજે મારે તને મારા કુતરાની એક વિશેષતા બતાવવી છે અને તારે એનું શુટીંગ કરવાનું છે.

પેલો મિત્ર પોતાનો વિડીયો કેમેરા લઇને આવ્યો. ખેડુત પોતાના કુતરાને અને મિત્રને લઇને નદી કાંઠે ગયો. દુર નદીમાં એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યુ હવે તું શુટીંગ કર અને મારા આ કુતરાની વિશેષતા જો. પેલા કુતરાને ખેડુતે દડો લાવવા માટે આદેશ કર્યો એટલે કુતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા - ચાલતા જ પાછો આવ્યો .

આ સમગ્ર ઘટના દરમ્યાન પેલો ખેડુત એના મિત્ર સામે જોઇ રહ્યો. પરંતું મિત્રના ચહેરા પર કોઇ આશ્વર્ય ન દેખાયુ એટલે એનાથી ના રહેવાયુ એણે પોતાના મિત્રને પુછ્યુ કે દોસ્ત તને મારા કુતરાની કોઇ વિશેષતા દેખાઇ કે નહી ?

મિત્રએ ખેડુતને જવાબ આપ્યો , " હા દેખાઇ ને"
ખેડુતે પુછ્યુ ," શું જોયુ ? "
પેલા મિત્રને જવાબ આપ્યો કે," મે જોયુ કે તારા કુતરાને તરતા આવડતુ નથી"
મિત્રો, આપણે આવું જ કરીએ છીએ સામે વાળાને જે બતાવવું છે તે નહી આપણે જોવું છે તે જ આપણે જોઇએ છીએ અને પરિણામે ગેરસમજણ ઉભી થાય છે જે સંબંધોને કોરી ખાય છે.

દરેક માનવ પ્રભુનું સંતાન છે Download
એક ખુબ મોટું ચર્ચ હતું. અમિરોનું ચર્ચ. અમિરોનું એટલા માટે કારણ કે એ ચર્ચ અમિર-ઉમરાવો જે વિસ્તારમાં રહેતા હતા એ પોશ વિસ્તારમાં આવેલું હતું અને ચર્ચમાં પૈસાદાર લોકો જ પ્રાર્થના કરવા માટે આવતા હતા. પ્રાર્થના કરવા આવનાર તમામ લોકોના કપડા અને વર્તન પરથી જ તેની અમિરાતનો પરિચય મળતો હતો.

રવિવારના દિવસે ખુબ મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના માટે આવ્યા હતા. આખું ચર્ચ ખીચો-ખીચ ભર્યુ હતું. ચર્ચના પાદરી બધાને ધર્મસંદેશ આપી રહ્યા હતા. બરાબર એ જ સમયે એક સાવ ભિખારી જેવો માણસ રખડતો ભટકતો આ ચર્ચમાં આવી ચડ્યો. એને તો એવી કોઇ ખબર નહોતી કે આ ચર્ચમાં બધા ધનકુબેર જ આવતા હોય છે.

ચર્ચમાં દાખલ થયેલા એ માણસના કપડાના પણ કોઇ ઠેકાણા ન હતા. ફાટેલા-તુટેલા કપડા, વધી ગયેલી દાઢી, શરિરમાંથી આવતી દુર્ગંધ. એ દાખલ થયો એટલે બધા લોકો એની સામે જોવા લાગ્યા. પાદરીનું ધ્યાન પણ એના તરફ ગયુ. પાદરી સહિત બધાને આ માણસ પ્રત્યે અણગમો થયો પણ કોઇ બોલ્યુ નહિ.

પેલો માણસ તો ધીમે ધીમે આગળ વધ્યો. એક બેંચ પર સહેજ જગ્યા હતી એ બેસવા ગયો કે તુરંત જ ત્યાં બેઠેલી વ્યક્તિ પહોળી થઇને બેસી ગઇ જેથી આ માણસની બાજુમાં બેસવું ન પડે. અને બાકીના બધા પણ ફટાફટ પહોળા થઇ ગયા જેથી બેસવા માટે કોઇ જગ્યા જ ન મળે. ભિખારી જેવો એ માણસ બેસવાની જગ્યા શોધતો શોધતો છેક આગળ આવી ગયો અને જગ્યા ન મળવાથી એ રસ્તામાં પાદરીની બરાબર સામે જ નીચે જમીન પર બેસી ગયો.
થોડીવારમાં પાછળથી એક વૃધ્ધ આગળ આવ્યો. એના હાથમાં લાકડી હતી. બધાને થયુ કે આ વૃધ્ધ પેલા ભિખારીને લાકડીથી ઠપકારશે અને બધા આવુ જ ઇચ્છતા હતા. ધીમે ધીમે પેલા વૃધ્ધ ભિખારી સુધી પહોંચ્યા. હવે તો પાદરીએ પણ પોતાનું પ્રવચન બંધ કરી દીધું બધા એ જોવા લાગ્યા કે આ વૃધ્ધ હવે શું કરે છે? વર્ષોથી ચર્ચમાં આવતા આ વૃધ્ધ પેલા ભિખારી પાસે આવીને એની બાજુમાં જ નીચે બેસી ગયા. એણે ભિખારીનો હાથ પ્રેમથી પોતાના હાથમાં લીધો અને કહ્યુ , “ ભાઇ, તું ચર્ચમાં આવ્યો ત્યારે આ પાદરી પ્રભુનો સંદેશો આપીને સમજાવતા હતા કે દરેક માનવ પ્રભુનું સંતાન છે. એટલે એનો મતલબ એ કે તું પણ પ્રભુનું સંતાન અને હું પણ પ્રભુનું સંતાન અર્થાત આપણે બંને ભાઇ થયા કહેવાઇ. હું ઉભો થઇને તારી પાસે એટલા માટે આવ્યો કારણકે તને એકલું ના લાગે ભાઇ.”
આપણે પણ આપણી આસપાસના આપણા ભાઇબહેનોને આ જ દૃષ્ટીથી જોવાનો પ્રયાસ કરીએ કદાચ ઉપરવાળો આપણો બાપ વધુ રાજી થશે.

આપણા કાર્ય દ્વારા બીજા માટે ભગવાન પણ બનીએ. Download
15 સૌનિકોની એક ટીમને 3 મહીના માટે એના મેજરની આગેવાની હેઠળ હીમાયલની બોર્ડર પર નિયુક્ત કરવામાં આવી. નિમણૂકના આદેશ મળતા જ ટીમ પોતાની ફરજના સ્થળે હાજર થવા માટે નીકળી પડી. રસ્તો ખુબ કઠીન હતો. ટીમના સભ્યોને ચા પીવાની બહુ ઇચ્છા હતી પણ આ પર્વતમાળા પર ચા ક્યાં મળે ? રસ્તામાં એક નાના ઢાબા જેવુ કંઇ દેખાયુ આંખો ઝીણી કરીને જોયુ તો એ ચા-નાસ્તા માટેની જ નાની દુકાન હતી. દુકાનને દુરથી જોઇને થાકેલા સૈનિકોના ચહેરા પર રોનક આવી.

દુકાન પાસે આવીને જોયુ તો ખબર પડી કે દુકાનને તાળુ મારેલુ છે. એક સૈનિકે તાળુ તોડીને જાતે ચા બનાવવાની વાત કરી. મેજરને એ અનૈતિક લાગ્યુ પણ ટીમના બધા સભ્યો લાંબી મુસાફરીથી થાકેલા હતા અને ઠંડી પણ ખુબ હતી એટલે મેજરે છુટ આપી. તાળુ તોડીને અંદર પ્રવેશ્યા. સદનસીબે ચા બનાવવા જરુરી બધો સામાન હતો અને નાસ્તા માટે બિસ્કીટ પણ હતા. ચા નાસ્તો કરીને વિદાય લેતી વખતે મેજરે એના પાકીટમાંથી 1000ની નોટ કાઢીને કાઉન્ટર પર મુકી અને ઉડી જ જાય એટલે એના પર વજન પણ મુક્યુ.

સૈનિકોની આ ટીમ પોતાની ત્રણ માસની ફરજ બજાવીને પરત આવતી હતી ત્યારે આ જ ચાની દુકાન પર રોકાયા. એક વૃધ્ધ દાદા દુકાનમાં હતા. સૈનિકો એમની જોડે વાતે વળગ્યા. દાદાએ પોતાના અનુભવની અને ભગવાનની વાતો કરી. એક સૈનિકે કહ્યુ, " કાકા, ભગવાન જેવુ કંઇ નથી, જો ભગવાન હોય તો તમે આવી વૃધ્ધાવસ્થામાં આમ હેરાન ન થતા હોય! "

દાદાએ કહ્યુ , " ના સાહેબ ભગવાન છે જ એના મારા એક અનુભવની તમને વાત કરુ. ત્રણ મહીના પહેલા મારા દિકરાને અકસ્માત થયેલો એટલે દુકાન બંધ કરીને હું ફટાફટ હોસ્પીટલ પહોંચ્યો. દવાના મારી પાસે પૈસા નહોતા. આવી મુશ્કેલ પરિસ્થિતીમાં માર્ગ બતાવવા મેં પ્રભુને પ્રાર્થના કરી. હું ત્યાંથી દુકાન પર આવ્યો તો તુટેલુ તાળુ જોઇને મને ધ્રાસકો પડ્યો. અંદર જઇને જોયુ તો કાઉન્ટર પર 1000ની નોટ પડી હતી. મેં ભગવાનનો ખુબ આભાર માન્યો એને મને મુશ્કેલીના સમયે મદદ કરી. ભગવાનની આ મદદથી મારો દિકરો બચી ગયો. સાહેબ, હવે તમે જ કહો કે આ 1000ની નોટ ભગવાન સિવાય બીજુ કોણ અહીંયા મુકવા આવે ? "
બધા સૈનિકોએ મેજર સામે જોયુ. મેજરના આંખના ઇશારાથી સૈનિકો સમજી ગયા કે કોઇએ કંઇ બોલવાનું નથી. વિદાય લેતી વખતે મેજર દાદાને ભેટ્યા અને કહ્યુ, " દાદા, તમે બિલકુલ સાચા છો. ભગવાન છે અને જરૂર પડે ત્યારે મદદ પણ કરે છે."
મિત્રો, આપણે આપણા કાર્ય દ્વારા બીજા કોઇ માટે ભગવાન પણ બની શકીએ છીએ. જીવનમાં એવા કાર્યો કરવા કે જેથી લોકોનો ભગવાન પરનો વિશ્વાસ વધે. કદાચ એવુ ન થાય તો કંઇ વાંધો નહી પણ એવા કામ તો ન જ કરવા કે જેથી ભગવાન પરનો વિશ્વાસ ઘટી જાય.

બીજાના સુખને કારણે વધુ દુ: ખી છીએ. Download
એક માણસ રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો. એમની પ્રાર્થનાથી પ્રસન્ન થઇને એક દિવસ ભગવાન પ્રગટ થયા. પોતાની આંખો સામે જ ભગવાનને ઉભેલા જોઇને એ માણસને બહુ જ આનંદ થયો.

ભગવાને માણસને કહ્યુ , " હું તારી પ્રાર્થનાથી તારા પર ખુબ રાજી છું. " માણસે તુરંત જ કહ્યુ , " પ્રભુ તો પછી આપના રાજીપાનું ફળ પણ મને આપો. " ભગવાને કહ્યુ , " તારે જે જોઇએ એ માંગી લે હું તને આપવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે તું જે માંગીશ એના કરતા તારા આખા શહેરને બમણું મળશે. "

ભગવાન રાજી થયા છે અને આજે તો મારી ઇચ્છા પુરી થશે એ વાતના આનંદમાં ભગવાન કઇ શરત સાથે માંગ પુરી કરી રહ્યા છે એની ખબર જ ન રહી. એણે તો ફટાક દઇને કહી દીધું , " મને એક સુંદર મજાનું ઘર જોઇએ છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય " . ભગવાને એને થોડીવાર આંખો બંધ રાખી અને પછી ખોલવાની આજ્ઞા કરી.

માણસે આંખો ખોલી અને એના આનંદનો પાર ન રહ્યો. એ જેના કાયમ માટે સપનાઓ જોતો હતો એ બધી જ સમૃધ્ધિ આજે તેની નજર સામે હતી. એ તો નાચવા અને કુદવા લાગ્યો. ભગવાને જગતનું બધુ જ સુખ એની ઝોળીમાં નાંખી દીધાની અનુભૂતિ એને થવા લાગી. ગીતો ગાતો ગાતો એ ઘરની બહાર નીકળ્યો. પોતાના પાડોશીને આવા જ બે બંગલા જોઇએ એને આંચકો લાગ્યો. પોતાની ગાડી લઇને એ શહેરમાં ફરવા માટે નીકળ્યો. આખા શહેરમાં દરેકને પોતાનાથી બમણી સમૃધ્ધિ મળી છે એ જોઇએ એનો આનંદ શોકમાં પલટાઇ ગયો.

ઇર્ષા એ આંખમાં પડેલું એવું કણું છે જે સતત ખટક્યા કરશે અને તમારી નજર સામેની સુંદર દુનિયાને તમે માણી નહી શકો. યાદ રાખજો આપણે આપણા દુ: ખને કારણે જેટલા દુ:ખી છીએ એના કરતા બીજાના સુખને કારણે વધુ દુ: ખી છીએ.

વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા. Download
ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઇ દુધપાકની ડોલ હાથમાં લઇને ગટર પાસે ઉભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દુધપાક લઇને થોડો થોડો ગટરમાં નાંખતા હતા. ત્યાંથી પસાર થતી કોઇ વ્યક્તિનું ધ્યાન ગયુ એટલે એ પેલા ભાઇ પાસે પહોંચી ગયા. કેસર ઇલાઇચી વાળા સુકા મેવાથી ભરપુર મસ્ત મજાના દુધપાકને ગંદી ગટરમાં નાંખતા જોઇને એમને આશ્વર્ય થયુ.

દુધપાકને ગટરમાં નાંખી રહેલા પેલા ભાઇને પુછ્યુ , " તમે , કેમ દુધપાકને ગટરમાં નાંખી દો છો ? "

પેલા ભાઇએ બળાપો કાઢતા કહ્યુ , " અરે ભાઇ, શું કરુ ? આજે મારા દાદાના શ્રાધ્ધ નિમિતે કેટલી મહેનતથી આ સરસ મજાનો દુધપાક બનાવ્યો હતો. પણ તેમાં આ બે માંખો પડી છે અને મરી ગઇ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું પણ માંખ બહાર નિકળવાનું નામ જ નથી લેતી."

વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઇ ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ , “ ભાઇ આમ જ જો આ મરેલી માંખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દુધપાકની આખી ડોલ ખાલી થઇ જશે તો પણ માંખો બહાર નહી નિકળે. એક કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો”. દુધપાકની ડોલ નીચે મુકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઇના હાથમાં આપ્યા.
ચશ્માના કાચ પર બે મરેલી માંખો ચોંટી હતી. કપડું લઇને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યુ , " હવે આ ચશ્મા પહેરો ". પેલા ભાઇએ ચશ્મા પહેરીને ડોલમાં જોયુ તો દુધપાક તો ચોખ્ખો હતો. એમાથી મરેલી માંખો જતી રહી હતી.
આપણા વિચારોરુપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મતારૂપી માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપણા સંબંધને જે સરસ મજાના દુધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ. વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.

નાના માણસોની મોટી ભેટ Download
એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.

એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો " લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમા જરા પણ કંજૂસાઇ ન કરતા."

મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, " તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો." શેઠે કહ્યુ, " કેમ એવુ ? " શેઠાણીએ કહ્યુ, " ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે." સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.

મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યુ. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્વર્ય થયુ કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે ? એ તો એકબાજુ ઉભા ઉભા જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, " ભાઇ, અમારા શેઠના એકના એક દિકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડા ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડા હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાનાશેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા." નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.

મિત્રો, આપણે માણસોના હદય જોઇને નહી પરંતુ એના હોદા જોઇને ભેટ આપીએ છીએ. જો આપણને મોટા હોદા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી ?