STORY : RECENTLY ADDED

વૃક્ષ આપણા માતા-પિતા Download
એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ ( આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે , કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સુઇ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો.

બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું ઓછુ કરી દીધુ. અમુક સમય પછી તો સાવ આવતો જ બંધ થઇ ગયો.આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એકદિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતા જોયો. આંબો તો ખુશ થઇ ગયો.

બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યુ , " તું ક્યાં ચાલ્યો ગયો હતો ? હું રોજ તને યાદ કરતો હતો. ચાલ હવે આપણે બંને રમીએ." બાળક હવે મોટો થઇ ગયો હતો એણે આંબાને કહ્યુ , " હવે મારી રમવાની ઉંમર નથી. મારે ભણવાનું છે પણ મારી પાસે ફી ભરવાના પૈસા નથી. " આંબાએ કહ્યુ , " તું મારી કેરીઓ લઇ જા એ બજારમાં વેંચીશ એટલે તને ઘણા પૈસા મળશે એમાથી તું તારી ફી ભરી આપજે." બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો.

ફરીથી એ ત્યાં ડોકાયો જ નહી. આંબો તો એની રોજ રાહ જોતો એક દિવસ અચાનક એ આવ્યો અને કહ્યુ , " હવે તો મારા લગ્ન થઇ ગયા છે. મને નોકરી મળી છે એનાથી ઘર ચાલે છે પણ મારે મારુ પોતાનું ઘર બનાવવું છે એ માટે મારી પાસે પૈસા નથી. " આંબાએ કહ્યુ , " ચિંતા ન કર. મારી બધી ડાળીઓ કાપીને લઇ જા એમાંથી તારુ ઘર બનાવ." યુવાને આંબાની ડાળીઓ કાપી અને ચાલતો થયો.
આંબો હવે તો સાવ ઠુંઠો થઇ ગયો હતો.કોઇ એની સામે પણ ન જુવે. આંબાએ પણ હવે પેલો બાળક પોતાની પાસે આવશે એવી આશા છોડી દીધી હતી. એક દિવસ એક વૃધ્ધ ત્યાં આવ્યો. એણે આંબાને કહ્યુ , " તમે મને નહી ઓળખો પણ હું એ જ બાળક છું જે વારંવાર તમારી પાસે આવતો અને તમે મદદ કરતા." આંબાએ દુ:ખ સાથે કહ્યુ , " પણ બેટા હવે મારી પાસે એવું કંઇ નથી જે હું તને આપી શકું "
વૃધ્ધે આંખમાં આંસુ સાથે કહ્યુ , " આજે કંઇ લેવા નથી આવ્યો આજે તો મારે તમારી સાથે રમવું છે. તમારા ખોળામાં માથુ મુકીને સુઇ જવુ છે" આટલુ કહીને એ રડતા રડતા આંબાને ભેટી પડ્યો અને આંબાની સુકાયેલી ડાળોમાં પણ નવા અંકુર ફુટયા.
વૃક્ષ એ આપણા માતા-પિતા જેવુ છે જ્યારે નાના હતા ત્યારે એમની સાથે રમવુ ખુબ ગમતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનાથી દુર થતા ગયા નજીક ત્યારે જ આવ્યા જ્યારે કોઇ જરુરીયાત ઉભી થઇ કે કોઇ સમસ્યા આવી. આજે પણ એ ઠુંઠા વૃક્ષની જેમ રાહ જુવે છે આપણે જઇને એને ભેટીએ ને એને ઘડપણમાં ફરીથી કૂંપણો ફુટે. અમારા એ દાદા, વિપુલ વડના ઝુંડ સરખા, વિશાળી છાયાએ સકલ અમ સંતાપ હરતા, હજારો બાહુઓ પ્રણયમય વિસ્તારિત કરી લઇ હૈયે ઉંડે ભરતા હદયે ટાઢક ભલી. - પૂજાલાલ દલવાડી

નીકિતા ઘીયા : સર્વશ્રેષ્ઠ સ્ત્રીસશક્તિકરણ Download
15 વર્ષની એક તરુણી હજુ તો રંગબેરંગી સપનાઓ જુવે એ પહેલા જ કુદરતે એના સપનાઓ પર કાળા રંગનો પીછડો મારી દીધો. યુવાનીના ઉંબરે આવીને ઉભેલી આ યુવતીની બંને કીડનીઓ કામ કરતી બંધ થઇ ગઇ. મૃત્યુ નજર સામે નાચતું હોવા છતા આ છોકરીના ચહેરા પર સ્મિત હતું. એમના મમ્મીએ પોતાની એક કીડની દાનમાં આપી અને યુવતી યમરાજાના દ્વારેથી પાછી આવી.અનેક તકલીફોની વચ્ચે પણ એ પુરી મસ્તીથી પ્રભુએ આપેલા જીવનને કોઇપણ જાતની ફરીયાદો કર્યા સીવાય મનભરીને માણી રહી હતી.

મમ્મીએ આપેલી કીડનીએ 10 વર્ષ સારી રીતે કામ આપ્યા બાદ અચાનક કામ કરવાનું બંધ કર્યુ. એમને ફરીથી હોસ્પીટલાઇઝ કરવી પડી અને 22 દિવસ હોસ્પીટલમાં રાખી. આ દિવસો દરમ્યાન એણે કેટલાય એવા ગરીબ દર્દીઓને હોસ્પીટલમાં આવતા જોયા જે ડોકટરની સલાહ પ્રમાણે પુરતા ડાયાલીસીસ ન કરી શકવાને કારણે મોતના મુખમાં ઘકેલાતા હોય. ડોકટરે 3 ડાયાલીસીસ કરવાની સલાહ આપી હોય પણ પુરતા પૈસા ન હોવાથી ગરીબ દર્દી 3 ને બદલે 2 ડાયાલીસીસ કરાવે અને ખેંચી શકાય એટલી જીવનની દોરીને ખેંચવાનો પ્રયાસ કરે.

આ યુવતીએ દર્દીઓની આ દયનિય સ્થિતી જોઇ ત્યારે એનું હદય દ્રવી ઉઠ્યુ અને એણે પથારીમાં બેઠા બેઠા જ આ ગરીબ દર્દીઓ માટે જે કંઇ થઇ શકે તે કરવાનું નક્કી કર્યુ. એ ભરતનાટ્યમના ખુબ સારા ડાન્સર હતા એટલે ડાન્સ શો કરીને ગરીબ દર્દીઓ માટે ફંડ એકઠું કરવાનો એણે સંકલ્પ કર્યો. પોતાની અંગત પીડાને અને એની શારીરીક કમજોરીને ધ્યાને લીધા વગર એણે ડાન્સના શો શરુ કર્યા.

દિવસમાં ત્રણ વખત ડાયાલીસીસ કરાવવું પડે એવી સ્થિતીએ પહોંચેલી આ હિંમતવાન નારીએ ડાન્સ શોના માધ્યમથી 80 લાખ રૂપિયાથી વધુ ફંડ ભેગુ કરીને કીડનીના ગરીબ દર્દીઓની સારવાર માટે આપ્યુ. અનેકને નવુ જીવન આપનારી આ નારીનો જીવનદિપ તા.3-8-2015ના રોજ બુઝાઇ ગયો. જીવન અને મૃત્યુ વચ્ચેની આ લડાઇમાં અંતિમ શ્વાસ સુધી એના ચહેરા પર સ્મિત હતુ.
આ ગરવી ગુજરાતણનું નામ છે , નીકિતા ઘીયા.
ગુજરાત સરકાર સ્ત્રીસશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરી રહી છે ત્યારે સ્ત્રીસશક્તિકરણના આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ નિકીતા ઘીયાને શત શત વંદન.

નાના માણસોની મોટી ભેટ Download
એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.

એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો " લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમા જરા પણ કંજૂસાઇ ન કરતા."

મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, " તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો." શેઠે કહ્યુ, " કેમ એવુ ? " શેઠાણીએ કહ્યુ, " ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે." સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.

મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યુ. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્વર્ય થયુ કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે ? એ તો એકબાજુ ઉભા ઉભા જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, " ભાઇ, અમારા શેઠના એકના એક દિકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડા ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડા હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાનાશેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા." નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.

મિત્રો, આપણે માણસોના હદય જોઇને નહી પરંતુ એના હોદા જોઇને ભેટ આપીએ છીએ. જો આપણને મોટા હોદા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી ?

આધ્યાત્મિક ગુરુ : પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ Download
વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાં સરસવણી નામનું એક નાનકડું ગામ છે. આ ગામમાં રહેતા એક સામાન્યસ્થિતીના ભાઇને એમના ગુરુ પ્રત્યે ખુબ આસ્થા. દરેક બાબતમાં ગુરુનું માર્ગદર્શન મેળવે અને ગુરુની આજ્ઞા પ્રમાણે જ જીવન જીવે.

એકવખત એના ગુરુને એણે એક પત્ર લખ્યો. પત્રમાં એણે પોતાના ગુરુજીનું એક બાબતે માર્ગદર્શન માંગેલુ. પત્ર જ્યારે ગુરુજીને મળ્યો અને ગુરુજીએ એ વાંચ્યો ત્યારે બાજુમાં બેઠેલા અન્ય શિષ્યોને ગુરુએ પત્ર વિષે વાત કરતા કહ્યુ,

"આ ભાઇએ દિવસરાતની તનતોડ મહેનતથી કરેલી કમાણીમાંથી થોડી બચત કરી છે અને હવે એ બચત રકમમાંથી એણે એક મોટરસાઇકલ લેવુ છે. મોટરસાઇકલ હોન્ડા કંપનીનું લેવુ કે બજાજ કંપનીનું લેવુ તે બાબતે માર્ગદર્શન માંગ્યુ છે."

પત્રની વિગત જાણીને બાકીના શિષ્યોને થોડુ હસવુ પણ આવ્યુ હશે પણ ગુરુજીએ આ બાબતને મહત્વ આપીને સાંજે બંને કંપનીના ડીલરને મળવા માટે બોલાવ્યા. પોતાના અત્યંત વ્યસ્ત સમયપત્રકમાંથી પણ સમય કાઢીને ગુરુજી આ બંને ડીલરો સાથે બેઠા અને બંને કંપનીના બાઇક વિષે ઉંડાણપૂર્વકની જાણકારી મેળવી. માઇલેજ અને મેઇન્ટેનન્સ ખર્ચ વિષે પણ પૃચ્છા કરી. ડીલરોને પણ આશ્વર્ય થયુ કે આવડા મોટા ધર્મગુરુ આવુ બધુ કેમ પુછે છે ?
ડીલરો સાથેની બધી જ વાતચીત કર્યા પછી ગુરુજીએ પેલા ગામડામાં રહેતા શિષ્યને પત્ર લખીને એણે કઇ કંપનીનું મોટરસાઇકલ ખરીદવું જોઇએ એનું માર્ગદર્શન આપ્યુ.
આ ગુરુજી એટલે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ. ડો.એ.પી.જે. અબ્દુલ કલામ પણ જેને પોતાના આધ્યાત્મિક ગુરુ ગણાવતા ( આ માત્ર કહેવાની નહી ડો. કલામે એના પુસ્તકમાં લખેલી વાત છે) એવા પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે અનેક લોકોના આધ્યાત્મિક પ્રશ્નોના નિરાકરણ તો કર્યા જ છે પરંતું આવા સામાન્ય વ્યાવહારિક પ્રશ્નોને પણ મહત્વ આપ્યુ છે.
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મારા ગુરુદેવ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. આજે હું જે કંઇ પણ છું એ માત્ર અને માત્ર એમની કૃપા અને એમના આશીર્વાદથી જ છું.

બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ Download
13 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.

છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે " આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો."

વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.

ડોકટરે છોકરીની માતાને કહ્યુ, " તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગિત અને નૃત્યની શાળામાં મોકલો. ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.
શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.
મિત્રો, ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.