STORY : MOST VIEWED

માન્યતાઓને બદલતા શીખીએ Download
પ્રાણીવિજ્ઞાનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન કર્યુ. જ્યારે બચ્ચુ ઇંડામાંથી બહાર આવે ત્યારે તુંરત જ એની માંની પાછળ દોડવા માંડે. સંશોધકે પોતાના સતત નિરિક્ષણથી જોયુ કે ઇંડામાંથી બહાર નીકળતું બચ્ચુ સૌથી પહેલા જેને જુવે છે એને જ પોતાની મા સમજે છે અને એની પાછળ દોડે છે.

આ સંશોધકે કેટલાક ઇંડાઓ પર સંશોધન કર્યુ. જ્યારે ઇંડામાંથી બચ્ચુ બહાર નીકળવાની તૈયારી હોય એ વખતે મરઘીને ઇંડાથી દુર કરીને મરઘીની જ્ગ્યાએ એના આકારનો એક હવા ભરેલો ફુગ્ગો રાખવામાં આવ્યો. બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળ્યુ અને એની પહેલી જ નજર આ ફુગ્ગા પર પડી. પછી ફુગ્ગાને ખસેડવામાં આવ્યો તો બચ્ચુ પણ ત્યાં જ ગયુ.

બચ્ચુ ફુગ્ગાની પાછળ દોડા-દોડી કરે. એને સાચી મરઘી પાસે લઇ જવામાં આવે તો એનાથી ડરે અને દોડીને ફુગ્ગા પાસે પાછું આવી જાય. ફુગ્ગાને પોતાની મા સમજીને એને ચોંટી રહે. ભુખ લાગે એટલે પોતાની ચાંચ આ ફુગ્ગા પાસે જઇને પહોળી કરે જેથી એને એની મા ખાવાનું આપે. ફુગ્ગા તરફથી કોઇ પ્રતિભાવ ન મળે તો પણ એ ફુગ્ગાને છોડવા તૈયાર થાય નહી.

એણે જેટલા ઇંડા પર પ્રયોગ કર્યો એ તમામમાં એને આ જોવા મળ્યુ. મરઘીનું બચ્ચુ ભુખ્યુ મરી ગયુ પણ એને ફુગ્ગાથી દુર જવાનું પસંદ ન કર્યુ કારણકે ફુગ્ગો જ એને મા લાગતી હતી. સંશોધકે પોતાના તારણમાં નોંધ્યુ કે જે એને પહેલા દેખાયુ એ જ એને સત્ય મનાયુ.

આપણે પણ આ મરઘીના બચ્ચા જેવા જ છીએ પહેલી વખત કોઇના વિષે જે માન્યતા બંધાય છે એ આપણે છોડી શકતા જ નથી. માન્યતાઓને બદલતા શીખીએ નહીતર મરઘીના બચ્ચાની જેમ મરી જઇશુ અને સત્યથી દુર રહી જઇશુ.

જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે Download
એક વેપારી પોતાના ઘરાકને મધ આપતો હતો. અચાનક એના હાથમાંથી મધ ભરેલું વાસણ છટકીને નીચે પડી ગયું. જમીન પર ઢોળાયેલા મધમાંથી જેટલું મધ ઉપર ઉપરથી લઇ શકાય એટલું મધ લઇ લીધુ બીજુ જમીન પર જ પડી રહ્યુ.

મધની મીઠાશના લોભથી ઘણીખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઇ. મીઠું મીઠું મધ એમને ખુબ જ ભાવતું હતું આથી એ મધ ચાટવા લાગી. મધ ચાટવામાં એવી તો મશગુલ બની ગઇ કે ધીમે ધીમે એની પાંખો મધમાં ચોંટી રહી હતી એનો ખ્યાલ પણ ન રહ્યો. મધથી પુરે પુરુ પેટ ભરાઇ ગયુ અને ઉડવાનો પ્રયાસ કર્યો પણ ઉડી જ ન શકી.

પોતાની જાતને બચાવવા ખુબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઇ બેઠી. અરે આશ્વર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે જુની માખીઓની દુર્દશા જોતી જ હતી આમ છતા પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી.જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે. ક્યાં અટકવું એનું પ્રમાણભાન ન હોય તો જીવન બરબાદ થતા બીલકુલ વાર ન લાગે.

પ્રત્યેક જીવ પરમાત્માનું સર્જન છે. Download
એક દેવળ હતુ, ભગવાનને રહેવાનું સ્થળ. આ દેવળની વિશેષતા એ હતી કે એ માત્ર ગોરી ચામડીના લોકો માટેનું જ હતુ. ગોરી ચામડી ન હોય એવા કોઇ વ્યક્તિને આ દેવળમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. આ દેવળ જે વિસ્તારમાં હતુ તે વિસ્તારમાં વસ્તા કાળી ચામડીના લોકો પ્રભુને પ્રેમ કરતા હોવા છતા પ્રાર્થના માટે દેવળમાં જઇ શકતા ન હતા.

કદાચ કોઇ કાળી ચામડીનો માણસ ભૂલથી પણ જો આ દેવળમાં આવી પહોંચે તો એનું ભયંકર અપમાન કરીને એને પાછો કાઢવામાં આવતો હતો. એકદિવસ એક કાળી ચામડીનો નવયુવાન આ દેવળમાં ભગવાનને પ્રાર્થના કરવા માટે આવ્યો. દેવળમાં પ્રવેશ કરે એ પહેલા જ એને અટકાવવામાં આવ્યો અને હવે પછી ભવિષ્યમાં ક્યારેય આ દેવળ તરફ ફરકવુ પણ નહી એવી ચેતવણી આપવામાં આવી. યુવકે ત્યાં રહેલા લોકોને વારંવાર વિનંતી કરી. એમણે કહ્યુ , " હું પ્રાર્થના કરીને જતો રહીશ અંદર બેસીશ પણ નહી મહેરબાની કરીને મને પ્રવેશવા દો." પણ કોઇ ગોરા ભક્તોના બહેરા કાને એની પ્રાર્થના સંભળાઇ જ નહી.

કાળી ચામડીનો આ યુવક દેવળની નજીક આવેલા એક જાહેર બચીચામાં બેસીને ખુબ રડ્યો. સતત ભગવાનને ફરીયાદ કરતો હતો કે પ્રભુ મે એવા તે શું પાપ કર્યા છે કે મને આ દેવળમાં પ્રવેશ આપવામાં નથી આવતો ? શું માત્ર ગોરી ચામડીના લોકોને જ તારી ભક્તિ કરવાનો અધિકાર છે ? અમારી કાળી ચામડીનું સર્જન તો તે જ કર્યુ છે ને પ્રભુ ? તો પછી અમે તમને કેમ મળી શકતા નથી?"

યુવાનની આ વાતો સાંભળીને ખુદ ભગવાન ત્યાં હાજર થઇ ગયા. ભગવાનને પોતાની સામે જ ઉભેલા જોઇને યુવાન તો નાચવા લાગ્યો. ભગવાનને એને પોતાની પાસે બોલાવ્યો અને એને પ્રેમથી ભેટ્યા પછી પુછ્યુ, " બોલ, બેટા શું ફરીયાદ હતી? " યુવાને કહ્યુ, " પ્રભુ આ સામેના દેવળમાં મને પ્રવેશવા નથી દેતા. આવુ કેમ ?" ભગવાન ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ, " અરે ભાઇ, એ લોકો મને પણ પ્રવેશવા નથી દેતા તો તારો વારો ક્યાંથી આવે ? "

મિત્રો, જ્યાં ભગવાને પોતે જ બનાવેલા માણસો સાથે ભેદભાવ રાખવામાં આવે ,ત્યાં ભગવાન કદી હોતા નથી. આ જગતનો પ્રત્યેક જીવ પરમાત્માનું જ સર્જન છે માટે દરેકને અપનાવતા શીખીએ અને તો જ પ્રભુની નજીક જઇ શકાશે.

બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ Download
13 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.

છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે " આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો."

વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.

ડોકટરે છોકરીની માતાને કહ્યુ, " તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગિત અને નૃત્યની શાળામાં મોકલો. ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.
શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.
મિત્રો, ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.

ગેરસમજણ સંબંધોને કોરી ખાય છે. Download
એક ખેડુત હતો. એણે પોતાના કુતરાને ખુબ સારી તાલીમ આપીને પાણી પર ચાલતા શિખવ્યુ. ખેડુતે વિચાર્યુ કે મારા કુતરાની આ અનોખી આવડતને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના એક મિત્રને કહ્યુ કે તુ તારો વિડીયો કેમેરા લઇને આવ આજે મારે તને મારા કુતરાની એક વિશેષતા બતાવવી છે અને તારે એનું શુટીંગ કરવાનું છે.

પેલો મિત્ર પોતાનો વિડીયો કેમેરા લઇને આવ્યો. ખેડુત પોતાના કુતરાને અને મિત્રને લઇને નદી કાંઠે ગયો. દુર નદીમાં એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યુ હવે તું શુટીંગ કર અને મારા આ કુતરાની વિશેષતા જો. પેલા કુતરાને ખેડુતે દડો લાવવા માટે આદેશ કર્યો એટલે કુતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા - ચાલતા જ પાછો આવ્યો .

આ સમગ્ર ઘટના દરમ્યાન પેલો ખેડુત એના મિત્ર સામે જોઇ રહ્યો. પરંતું મિત્રના ચહેરા પર કોઇ આશ્વર્ય ન દેખાયુ એટલે એનાથી ના રહેવાયુ એણે પોતાના મિત્રને પુછ્યુ કે દોસ્ત તને મારા કુતરાની કોઇ વિશેષતા દેખાઇ કે નહી ?

મિત્રએ ખેડુતને જવાબ આપ્યો , " હા દેખાઇ ને"
ખેડુતે પુછ્યુ ," શું જોયુ ? "
પેલા મિત્રને જવાબ આપ્યો કે," મે જોયુ કે તારા કુતરાને તરતા આવડતુ નથી"
મિત્રો, આપણે આવું જ કરીએ છીએ સામે વાળાને જે બતાવવું છે તે નહી આપણે જોવું છે તે જ આપણે જોઇએ છીએ અને પરિણામે ગેરસમજણ ઉભી થાય છે જે સંબંધોને કોરી ખાય છે.