STORY : Category Wise Filter

આપણા ન્યાયતંત્રની બલીહારી Download
એક ગાઢ જંગલ હતુ. અનેક પ્રાણીઓ આ જંગલમાં રહેતા હતા. એકવાર વહેલી સવારે એક હરણ ભાગીને જંગલની બહાર તરફ જઇ રહ્યુ હતુ. હાથીએ જોયુ કે હરણ જંગલ છોડીને ભાગી રહ્યુ છે એટલે એણે હરણને ઉભુ રાખ્યુ અને પુછ્યુ , " હરણભાઇ, આ જંગલ છોડીને ક્યાં ભાગી રહ્યા છો ?"

હરણે હાંફતા હાંફતા જવાબ આપ્યો, " હાથીમામા, હવે આ જંગલમાં રહી શકાય તેમ નથી આથી સુરક્ષિત જગ્યાએ કોઇ બીજા જંગલમાં જઇ રહ્યો છું. કદાચ તમને સમાચાર નહી મળ્યા હોય પણ સરકારે જંગલના બધા જ વાઘને પકડવાનો આદેશ આપ્યો છે એટલે હું આ જંગલ છોડીને જઇ રહ્યો છું."

હાથી ખડખડાટ હસી પડ્યો પછી બોલ્યો, " અરે હરણભાઇ, સરકારે વાઘને પકડવાની સુચના આપી છે હરણને પકડવાની નહી ! તો પછી તમે કેમ ભાગી રહ્યા છો ? આ તો વાઘ બધાને હેરાન કરતો હતો એટલે એને પકડવા સરકારના માણસો આવશે તમે શા માટે ડરો છો?"

હરણ કહે , " હાથીમામા, એ તો મને પણ ખબર છે કે વાઘ બધાને બહુ પરેશાન કરે છે એટલે સરકારે એને જ પકડવાની સુચના આપી છે પણ જો સરકારના માણસો મને પકડી લેશે ને તો હું વાઘ નહી પણ હરણ છુ એ સાબિત કરવામાં મને 20 વર્ષ નીકળી જશે."
વાત સાંભળીને હરણની સાથે હાથી પણ ભાગ્યો.
મિત્રો, આપણા ન્યાયતંત્રની આ બલીહારી છે કે તમે શું છો એ સાબિત કરવામાં વર્ષો નીકળી જાય છે. 2015ના પ્રારંભે પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારા ન્યાયતંત્રની ઝડપ પણ 4જી જેવી કરી આપો.

જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે Download
એક વેપારી પોતાના ઘરાકને મધ આપતો હતો. અચાનક એના હાથમાંથી મધ ભરેલું વાસણ છટકીને નીચે પડી ગયું. જમીન પર ઢોળાયેલા મધમાંથી જેટલું મધ ઉપર ઉપરથી લઇ શકાય એટલું મધ લઇ લીધુ બીજુ જમીન પર જ પડી રહ્યુ.

મધની મીઠાશના લોભથી ઘણીખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઇ. મીઠું મીઠું મધ એમને ખુબ જ ભાવતું હતું આથી એ મધ ચાટવા લાગી. મધ ચાટવામાં એવી તો મશગુલ બની ગઇ કે ધીમે ધીમે એની પાંખો મધમાં ચોંટી રહી હતી એનો ખ્યાલ પણ ન રહ્યો. મધથી પુરે પુરુ પેટ ભરાઇ ગયુ અને ઉડવાનો પ્રયાસ કર્યો પણ ઉડી જ ન શકી.

પોતાની જાતને બચાવવા ખુબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઇ બેઠી. અરે આશ્વર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે જુની માખીઓની દુર્દશા જોતી જ હતી આમ છતા પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી.



જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે. ક્યાં અટકવું એનું પ્રમાણભાન ન હોય તો જીવન બરબાદ થતા બીલકુલ વાર ન લાગે.