STORY : Category Wise Filter

સંપતિના નશામાં માણસાઇ ભૂલાઇ ન જાય Download
એકવખત કોઇ મોટા રાજ્યનો રાજા જંગલમાં શિકાર કરવા માટે નિકળ્યો. શિકારની શોધમાં એ ખુબ જ આગળ નીકળી ગયો અને રસ્તો ભુલી ગયો.આ ગાઢ જંગલમાં એનો ભેટો એક નવયુવાન ભરવાડ સાથે થયો. પેલો યુવાન રાજાને પોતાના નેસમાં લઇ ગયો અને પ્રેમથી જમાડ્યા પછી રાજાની સાથે આવીને છેક જંગલની બહાર મુકી ગયો.

રાજા આ ભરવાડ યુવાન પર ખુબ રાજી થયો. એમણે નક્કી કર્યુ કે મારે આ યુવાનને મારા રાજ્યમાં નોકરી પર રાખવો છે.યુવાનના માતા-પિતા તો ખુબ ખુશ થયા. ભરવાડ રાજાને ત્યાં નોકરીએ રહી ગયો. રાજા તેના પર વિશ્વાસ રાખીને જુદા-જુદા કામો સોંપતો જાય અને યુવાન પુરી નિષ્ઠાથી એ કામો કરતો જાય.

બહુ થોડા જ સમયમાં આ યુવાન રાજાનો સૌથી માનિતો પ્રધાન થઇ ગયો આથી બાકીના દરબારીઓ આ યુવાનની ઇર્ષા કરવા લાગ્યા.યુવાન આખો દિવસ શું કરે છે એ બરાબર ધ્યાનથી જોવા લાગ્યા. આ નિરિક્ષણ વખતે એક બાબત ધ્યાનમાં આવી કે યુવાન રોજ નગરની બહાર આવેલી એક અવાવરુ ઓરડીમાં એકલો જાય છે અને અડધો કલાક આ ઓરડીમાં રહે છે.

દરબારીઓએ રાજાને આ બાબતે ફરીયાદ કરી. રાજા એ યુવાન અને બધા દરબારીઓને સાથે લઇને પેલી ઓરડી પર તપાસ કરવા માટે ગયા. બધાને એમ હતું કે યુવાન આ ઓરડીમાં કોઇ સંપતિ ભેગી કરીને સંતાડતો હશે.ઓરડી ખોલી તો આખી ખાલી હતી એક ખુણામાં માણસના કદનો એક અરિસો હતો એ સિવાય કંઇજ નહી. બધા દરબારીઓ ભોંઠા પડી ગયા. એક દરબારીનું ધ્યાન ગયુ કે અરિસાની પાછળ એક પોટલીમાં કંઇક સંતાડેલું છે. એ પોટલી બહાર કાઢી એટલે ભરવાડે તે ન ખોલવા રાજાને વિનંતિ કરી પણ રાજાએ બધાની હાજરીમાં એ પોટલી ખોલી તો એમાંથી ભરવાડના જુના કપડા નિકળ્યા.
રાજાએ આ વિષે યુવાનને પુછ્યુ ત્યારે યુવાને સ્પષ્ટતા કરતા કહ્યુ , " રાજાજી આ બધા જ દરબારીઓની વાત સાચી છે હું રોજ આ ઓરડીમાં આવું છું અને પછી આ પ્રધાનના કપડા કાઢીને ભરવાડના કપડા પહેરુ છુ અને પછી અરીસામાં જોઇને મારી જાત સાથે વાત કરુ છું કે તું મૂળભુત રીતે તો આ અરિસામાં દેખાય છે તે ભરવાડ જ છે આ તો માત્ર રાજાની કૃપાથી તું પ્રધાન બન્યો છે અને તું ત્યાં સુધી જ પ્રધાન છે જ્યાં સુધી રાજા ખુશ છે જ્યારે રાજા રુઠશે ત્યારે ફરી ભરવાડ જ થઇ જવાનો છે માટે સત્તાના નશામાં તું તારી જાતને ભુલી ન જતો."
મિત્રો, આપણે જ્યાં છીએ એ આપણી મહેનત અને ભગવાનની કૃપાને કારણે છીએ. મોટી સત્તા કે સંપતિ મળ્યા પછી એ યાદ રાખવું કે રાજા આ બધુ પાછુ પણ લઇ શકે છે. સત્તા અને સંપતિના નશામાં માણસાઇ ભૂલાઇ ન જાય એ માટે સજાગ રહેવું.

પોતાના મોજશોખને મારી નાંખનાર બાપની સાદાઇ Download
કોલેજમાં અભ્યાસ કરતો એક યુવક પોતાના મિત્રો સાથે બેસીને રીશેસમાં ગપ્પા મારી રહ્યો હતો. વાત વાતમાં એક મિત્રએ આ યુવકને ટકોર કરતા કહ્યુ , " યાર તારી પર્સનાલીટી કેવી જોરદાર છે અને તારુ કપડાનું સીલેકશન પણ પરફેક્ટ હોય છે.તને જોઇએ એટલે કોઇ મોડેલની યાદ આવી જાય પણ આજે જ તારા પપ્પા બજારમાં ભેગા થયેલા એનો પહેરવેશ જોઇને કોઇ એમ ન કહે કે એ તારા પપ્પા હશે." પોતાના પિતાની આ વાત સાંભળીને યુવાન જરા ક્ષોભિલો થઇ ગયો.

કોલેજ પુરી કરીને ઘરે ગયા પછી પોતાની મમ્મીને આજની વાત કરતા કહે , " મમ્મી તું જરા પપ્પાને સમજાવજે એ મારી પર્સનાલીટી પર પાણી ફેરવે છે. જરા કંઇ ઢંગના કપડા પહેરતા હોય તો એને શું થાય ? " મમ્મીએ બધી વાત સાંભળ્યા પછી કહ્યુ , " બેટા, હું સાંજે તારા પપ્પાને આ બાબતે વાત કરીશ"

સાંજે એ યુવકના પપ્પા થાક્યા પાક્યા ઘરે આવ્યા. જમી લીધા પછી પત્નિએ પોતાના પતિને વાત કરતા કહ્યુ, " આજે આપણા ચિંટુની કોલેજમાં એના મિત્રો ચિંટુને તમારી વાત કરતા હતા કે તારા પપ્પા એક નંબરના કંજુસ છે સારા કપડા પણ પહેરતા નથી.સાચુ કહુ આપણે ક્યાંક બહાર જઇએને ત્યારે મને પણ થાય કે તમે સારા કપડા પહેરતા હોય તો ! "

પત્નિની વાત શાંતિથી સાંભળ્યા પછી એ ભાઇએ જવાબ આપ્યો, " તમારી બંનેની વાત સાવ સાચી છે મારે ખરેખર કંઇક ઢંગના કપડા પહેરવા જોઇએ અને મને એવા કપડા પહેરવાની ઇચ્છા પણ થાય છે." પત્નિએ તુંરંત કહ્યુ, " તો પછી તમે કેમ સારા કપડા નથી લેતા? " પતિએ હસતા હસતા કહ્યુ, " જો હું સારા કપડા પહેરવામાં પૈસા ખર્ચી નાંખુ તો પછી આપણા ચિંટુની પર્સનાલીટીને અનુરુપ કપડા, બુટ, મોબાઇલ અને બાઇક એને કેવી રીતે લઇ આપુ ? "

મિત્રો, આપણા માટે પોતાના મોજશોખને મારી નાંખનાર બાપની સાદાઇથી શરમાવાને બદલે ગૌરવ અનુભવજો. આપણને ચમકાવવા માટે એ બિચારો સાવ ઘસાઇ જાય છે.

હદયના ઝખમો... Download
ગામડાની એક નાની બજારમાં લુહાર અને સોનીની દુકાનો સામસામે આવેલી હતી. એકવખત લુહાર મોટો ઘણ લઇને લોખંડને ટીપી રહ્યો હતો ત્યારે ઘણ બાજુમાં વાગતા જ લોખંડનો એક નાનો ટુકડો ઉડીને બહાર ગયો અને બરાબર સામે આવેલી સોનીની દુકાનમાં પડ્યો. સોનીની દુકાનમાં રહેલા સોનાના ટુકડાએ જોયુ કે આજે લોખંડનો ટુકડો એમને ત્યાં આવ્યો છે એટલે એણે લોખંડના ટુકડાનું સ્વાગત કર્યુ.

સોનાના ટુકડાએ લોખંડના ટુકડાને ફરિયાદ કરતા કહ્યુ, " યાર , તમારા કરતા અમારુ મુલ્ય અનેકગણું વધારે છે અને આમ છતા અમે હંમેશા શાંત રહીએ છીએ બહુ અવાજ કરતા નથી ( સોની જ્યારે સોનું ઘડતો હોય ત્યારે કોઇ અવાજ ન થાય અને થાય તો પણ બહુ જ ધીમો ) અને તમે તો રાડા- રાડી કરતા હોવ છો ( લુહાર જ્યારે લોખંડને ટીપતા હોય ત્યારે બહુ જ અવાજ થાય અને અવાજ દુર-દુર સુધી સંભળાય). ખોટો અવાજ ન કરતા હોય તો ?

સોનાના ટુકડાને જવાબ આપતા લોખંડનો ટુકડો બોલ્યો , " ભાઇ, તું સોનુ છે પણ તને ટીપનાર હથોડી લોખંડની બનેલી હોય છે અને ઘા પણ બહુ જ ધીમા ધીમા મારે છે. જ્યારે હું લોખંડ છુ અને મને ટીપનાર હથોડો પણ લોખંડનો છે અને ઘા પણ એવા મારે છે કે સહન નથી થતા "

આંખમાં આંસુ સાથે પોતાની પીડા વર્ણવતા લોખંડના ટુકડાએ કહ્યુ " ભાઇ તને તો પારકા ઘા મારે છે પણ અમને તો અમારા જ ઘા મારે છે. પારકા જે પીડા આપે એ તો સહન થાય કારણ કે પારકાના ઘા થી માત્ર શરિર જ ટીપાય પણ પોતાના જ્યારે પીડા આપે ત્યારે અસહ્ય બની જાય છે કારણ કે પોતાના જ ઘા મારે ત્યારે માત્ર શરિર જ નહી હદય પણ ટીપાય છે એટલે રાડો ના પાડીએ તો બીજુ શું કરીએ ? "

મિત્રો, આપણા પોતાના લોકોના હદય અને લાગણી પર ઘા કરવાનું બંધ કરીએ કારણ કે એનાથી થતી પીડા અસહ્ય હોય છે અને એ પોતાની આ પીડા વિષે કોઇને કહી પણ નથી શકતા. શરિરના ઝખમો જોઇને લોકો ખબર - અંતર પણ પુછે પણ આ હદયના ઝખમો ક્યાં કોઇને દેખાય છે ?

ન દેખાતી બાજુ Download
શ્રધ્ધા નામની એક છોકરી એક દિવસ શાળાએ મોડી આવી. વર્ગ શિક્ષક આ છોકરીને ખિજાયા અને પછી વર્ગની બહાર ઉભા રહેવાની સજા કરી. બીજા દિવસે ફરીથી આ છોકરી મોડી આવી અને શિક્ષકે એને પહેલા દિવસ જેવી જ સજા બીજા દિવસે પણ કરી.
આવુ પછી તો સતત 3 માસ સુધી બન્યુ શ્રધ્ધા રોજ હાંફળી ફાંફળી થઇને દોડતી દોડતી શાળાએ આવતી પણ છતા મોડુ થતું એને મોડા આવવા બદલ સજા થતી અને એ કોઇપણ જાતની દલીલ વગર સજા સ્વિકારી લેતી.


એક દિવસ આ છોકરી સાવ અચાનક સમય કરતા પણ વહેલી શાળાએ આવી ગઇ. રોજ મોડી પડનારી આ છોકરીને આજે વહેલી આવેલી જોઇને શિક્ષક પણ આશ્વર્યમાં પડી ગયા.

એણે પેલી છોકરીને પુછ્યુ , " શ્રધ્ધા , આજે કેમ સમયસર આવી ગઇ ? " શ્રધ્ધાએ કહ્યુ , " સાહેબ , ઘેર મારે એક અપંગ અને બિમારીથી પીડાતો નાનો ભાઇ હતો. રોજ સવારે કુટુંબના ભરણપોષણ માટે મારી માં ને કામ કરવા માટે બહાર જવું પડતું અને જ્યાં સુધી મારી માં કામ પરથી પાછી ના આવે ત્યાં સુધી મારા ભાઇને સાચવાવાની જવાબદારી મારી હતી. મારી માં પાછી આવે પછી ભાઇ એને સોંપીને હું શાળાએ આવતી અને એટલે મોડી પડતી."

શિક્ષકે કહ્યુ , " તો પછી આજે કેમ સમયસર આવી ગઇ ? "
શ્રધ્ધાએ આંખમાં આંસુ સાથે કહ્યુ , " સર , મારો નાનો ભાઇ હવે આ દુનિયામાં નથી."
આપણને દેખાય છે એ સિવાયની ન દેખાતી પણ એક બીજી બાજુ હોય છે, આપણે માત્ર જે જોઇએ છીએ એના આધારે જ રીએકટ કરીએ છીએ. અને ન દેખાતી બાજુ સાવ છુટી જાય છે અને કદાચ એની સાથે સાથે બીજુ ઘણુ બધુ પણ છુટી જાય છે!!!!!!!!!!!!!

પરિવારનો પ્રેમ Download
લારીમાં નાની-મોટી ઘરવપરાશની વસ્તુંઓ વેંચનારો એક સામાન્ય માણસ એક આઇસક્રિમ પાર્લર પાસે આવીને ઉભો રહ્યો. આઇસક્રિમ ખરીદવા માટે ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા. ગણ્યા અને પાછા ખિસ્સામાં મુકી દીધા. આઇસક્રિમ ખરીદ્યા વગર જ એ પાછો વળી ગયો. આઇસક્રિમ પાર્લરના માલિકે આ જોયું એટલે એને પાછો બોલાવીને પુછ્યુ કે આઇસક્રિમ લીધા વગર કેમ જતો રહ્યો ?

પેલા ફેરીયાએ કહ્યુ કે સાહેબ ખીસ્સામાં રહેલા પૈસા ગણ્યા તો ખ્યાલ આવ્યો કે જો ઘરના સભ્યો માટે આઇસક્રિમ લઇ જઇશ તો પછી કરિયાણાના બીલની રકમ ચુકવવા માટે પુરતા પૈસા નહી વધે. આઇસક્રિમ તો પછી પણ ખવાશે પહેલા કરિયાણાનું બીલ ચુકવી દઉ.

આ બંને જણા વાત કરતા હતા ત્યાં એક સજ્જન આઇસક્રિમ લેવા આવ્યા. એ આ ફેરીયાને સારી રીતે ઓળખતા હતા. એણે દુકાનના માલીક સાથે આ ફેરીયાનો પરિચય કરાવતા કહ્યુ કે આ માણસ ભલે સામાન્ય સ્થિતીનો રહ્યો પણ એક સંત જેવું એનું જીવન છે. પેલા સજ્જને આગ્રહ કરીને આ ફેરીયાને પોતાના તરફથી આઇસ્ક્રિમ ખવડાવ્યો. સજ્જન તો પોતાનો આઇસક્રિમ લઇને જતા રહ્યા.

ફેરીયાએ આઇસક્રિમની પ્લેટ પુરી કરી એટલે એ ઉભો થઇને આઇસક્રિમ પાર્લરના માલિક પાસે આવ્યો અને કહ્યુ , “ શેઠ , મને 3 ડબી આઇસક્રિમ પેક કરી દો.” . પાર્લરના માલિકે આશ્વર્ય સાથે કહ્યુ , “ હમણા તો તું કરિયાણાનું બીલ ભરવાની વાત કરતો હતો અને હવે આઇસ્ક્રિમનું પાર્સલ કરવાનું કહે છે! કેમ તારો વિચાર બદલાઇ ગયો ?”
ફેરીયાએ કહ્યુ , “ શેઠ , મારા પરિવારમાં એક પત્નિ , એક દિકરી અને એક દિકરો છે. મેં અહિંયા આઇસક્રિમ ખાધો એ ઘરે ભલે કોઇને ખબર ન હોય પણ ભગવાન તો જાણે જ છે કે મેં મારા પરિવારને મુકીને આઇસક્રિમ ખાધો છે. હવે જો કરિયાણા બીલની ચિંતા કરીને હું ખાલી હાથે ઘેર જાવ તો પછી ઉપરવાળાને શું જવાબ આપી શકીશ ?”
પરિવારનો પ્રેમ ઝંખતા એ તમામ એકલપેટા મહાનુભાવોને આદર સાથે અર્પણ જે એકલા એક્લા મોટી મોટી મહેફીલો માણે છે અને પરિવાર બિચારો એમ જ પડ્યો છે.

સંબંધના ભોગે નામના Download
એક રાજ્યમાં એવી માન્યતા હતી કે જે આ રાજ્યનો સમ્રાટ બને તે સ્વર્ગમાં જાય અને સ્વર્ગમાં સૂવર્ણના પર્વત પર એનું નામ લખાય. એક યુવકે નક્કી કર્યુ કે મારે સ્વર્ગમાં સૂવર્ણ પર્વત પર મારુ નામ લખવું છે. આ માટે રાજયના સમ્રાટ બનવું જરૂરી હતું. એણે આ માટે ખુબ પ્રયાસો કર્યા. પોતાના આનંદ અને ખુશી સાથે પણ કોમ્પ્રોમાઇઝ કરીને એ યુવક રાજ્યનો સમ્રાટ બન્યો.

જ્યારે એ મૃત્યું પામ્યો ત્યારે તે સ્વર્ગમાં ગયો. એ તો કંઇ કેટલાય વિચારો સાથે આગળ વધી રહ્યો હતો એને તો એમ જ હતું કે સ્વર્ગના દરવાજા પર મારા સ્વાગતની ભવ્ય તૈયારીઓ હશે પરંતું દરવાજા પર તો ગેટકીપર સિવાય બીજુ કોઇ જ નહોતું.

સમ્રાટે ગેટકિપર સામે જોઇને જરા કડકાઇ થી કહ્યુ , " તું જાણે છે હું કોણ છું ? " ગેટકિપરે તો જવાબ આપવાની પણ પરવા ન કરી એટલે સમ્રાટ ગુસ્સે થયો અને પોતાનો પરિચય આપતા કહ્યુ કે હું સમ્રાટ છું. ગેટકિપરે તો ઠંડા કલેજે એટલું જ કહ્યુ કે “હું જ્યારથી અહિંયા નોકરી કરું છું ત્યારથી અત્યાર સુધીમાં કેટલાય સમ્રાટો આવી ચુક્યા છે અહિંયા”

સમ્રાટને તો આ સાંભળીને આંચકો લાગ્યો એણે ગેટકિપરને પુછ્યુ , " પેલો સોનાનો પર્વત કયાં છે ? મારે તેના પર મારું નામ લખવાનું છે." ગેટકિપરે કહ્યુ, "બસ સામે ની બાજુ થોડા આગળ જઇને ડાબી બાજુ વળી જજો ત્યાં જ એ સોનાનો પર્વત છે."
સમ્રાટ પોતાનું નામ સ્વર્ગના સોનાના પર્વત પર લખાશે તે વિચારથી જ આનંદિત થઇ ગયો અને ઝડપથી સૂવર્ણપર્વત તરફ ગયો. સોનાના પર્વત પાસે જઇને એણે જોયુ તો આખા પર્વત પર અસંખ્ય નામ લખાયેલા હતા હવે તો નામ લખવાની કોઇ જગ્યા જ નહોતી. સમ્રાટ તો મુંઝાયો કે મારે મારું નામ હવે ક્યાં લખવું?
એ પાછો ગેટકિપર પાસે આવ્યો અને કહ્યુ કે પર્વત પર નામ લખવાની કોઇ જગ્યા જ નથી હવે મારે મારું નામ કેવી રીતે લખવું. ગેટકિપરે હસતા હસતા એટલું જ કહ્યુ કે સમ્રાટજી આપ કોઇનું લખાયેલું નામ ભૂંસી નાખો અને આપનું નામ એની જગ્યા પર લખી નાખો.
લોકો પણ આ સમ્રાટની જેમ નામના મેળવવા ગાંડા થાય છે. આ માટે પોતાના પરિવારના સભ્યો, મિત્રો, સગાઓ, બધા સાથેના સ્નેહપૂર્ણ સંબંધના ભોગે એ નામના મેળવે છે અને જ્યારે નામ મળે ત્યારે સમજાય છે કે મારા જેવા તો બીજા કેટલાય ગાંડાઓ આવું કરી ચુક્યા છે અને બધા પસ્તાયા પણ છે.

ગેરસમજણ સંબંધોને કોરી ખાય છે. Download
એક ખેડુત હતો. એણે પોતાના કુતરાને ખુબ સારી તાલીમ આપીને પાણી પર ચાલતા શિખવ્યુ. ખેડુતે વિચાર્યુ કે મારા કુતરાની આ અનોખી આવડતને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના એક મિત્રને કહ્યુ કે તુ તારો વિડીયો કેમેરા લઇને આવ આજે મારે તને મારા કુતરાની એક વિશેષતા બતાવવી છે અને તારે એનું શુટીંગ કરવાનું છે.

પેલો મિત્ર પોતાનો વિડીયો કેમેરા લઇને આવ્યો. ખેડુત પોતાના કુતરાને અને મિત્રને લઇને નદી કાંઠે ગયો. દુર નદીમાં એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યુ હવે તું શુટીંગ કર અને મારા આ કુતરાની વિશેષતા જો. પેલા કુતરાને ખેડુતે દડો લાવવા માટે આદેશ કર્યો એટલે કુતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા - ચાલતા જ પાછો આવ્યો .

આ સમગ્ર ઘટના દરમ્યાન પેલો ખેડુત એના મિત્ર સામે જોઇ રહ્યો. પરંતું મિત્રના ચહેરા પર કોઇ આશ્વર્ય ન દેખાયુ એટલે એનાથી ના રહેવાયુ એણે પોતાના મિત્રને પુછ્યુ કે દોસ્ત તને મારા કુતરાની કોઇ વિશેષતા દેખાઇ કે નહી ?

મિત્રએ ખેડુતને જવાબ આપ્યો , " હા દેખાઇ ને"
ખેડુતે પુછ્યુ ," શું જોયુ ? "
પેલા મિત્રને જવાબ આપ્યો કે," મે જોયુ કે તારા કુતરાને તરતા આવડતુ નથી"
મિત્રો, આપણે આવું જ કરીએ છીએ સામે વાળાને જે બતાવવું છે તે નહી આપણે જોવું છે તે જ આપણે જોઇએ છીએ અને પરિણામે ગેરસમજણ ઉભી થાય છે જે સંબંધોને કોરી ખાય છે.

વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા. Download
ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઇ દુધપાકની ડોલ હાથમાં લઇને ગટર પાસે ઉભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દુધપાક લઇને થોડો થોડો ગટરમાં નાંખતા હતા. ત્યાંથી પસાર થતી કોઇ વ્યક્તિનું ધ્યાન ગયુ એટલે એ પેલા ભાઇ પાસે પહોંચી ગયા. કેસર ઇલાઇચી વાળા સુકા મેવાથી ભરપુર મસ્ત મજાના દુધપાકને ગંદી ગટરમાં નાંખતા જોઇને એમને આશ્વર્ય થયુ.

દુધપાકને ગટરમાં નાંખી રહેલા પેલા ભાઇને પુછ્યુ , " તમે , કેમ દુધપાકને ગટરમાં નાંખી દો છો ? "

પેલા ભાઇએ બળાપો કાઢતા કહ્યુ , " અરે ભાઇ, શું કરુ ? આજે મારા દાદાના શ્રાધ્ધ નિમિતે કેટલી મહેનતથી આ સરસ મજાનો દુધપાક બનાવ્યો હતો. પણ તેમાં આ બે માંખો પડી છે અને મરી ગઇ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું પણ માંખ બહાર નિકળવાનું નામ જ નથી લેતી."

વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઇ ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ , “ ભાઇ આમ જ જો આ મરેલી માંખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દુધપાકની આખી ડોલ ખાલી થઇ જશે તો પણ માંખો બહાર નહી નિકળે. એક કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો”. દુધપાકની ડોલ નીચે મુકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઇના હાથમાં આપ્યા.
ચશ્માના કાચ પર બે મરેલી માંખો ચોંટી હતી. કપડું લઇને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યુ , " હવે આ ચશ્મા પહેરો ". પેલા ભાઇએ ચશ્મા પહેરીને ડોલમાં જોયુ તો દુધપાક તો ચોખ્ખો હતો. એમાથી મરેલી માંખો જતી રહી હતી.
આપણા વિચારોરુપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મતારૂપી માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપણા સંબંધને જે સરસ મજાના દુધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ. વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.

નાના માણસોની મોટી ભેટ Download
એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.

એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો " લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમા જરા પણ કંજૂસાઇ ન કરતા."

મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, " તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો." શેઠે કહ્યુ, " કેમ એવુ ? " શેઠાણીએ કહ્યુ, " ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે." સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.

મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યુ. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્વર્ય થયુ કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે ? એ તો એકબાજુ ઉભા ઉભા જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, " ભાઇ, અમારા શેઠના એકના એક દિકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડા ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડા હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાનાશેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા." નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.

મિત્રો, આપણે માણસોના હદય જોઇને નહી પરંતુ એના હોદા જોઇને ભેટ આપીએ છીએ. જો આપણને મોટા હોદા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી ?

નીકિતા ઘીયા : સર્વશ્રેષ્ઠ સ્ત્રીસશક્તિકરણ Download
15 વર્ષની એક તરુણી હજુ તો રંગબેરંગી સપનાઓ જુવે એ પહેલા જ કુદરતે એના સપનાઓ પર કાળા રંગનો પીછડો મારી દીધો. યુવાનીના ઉંબરે આવીને ઉભેલી આ યુવતીની બંને કીડનીઓ કામ કરતી બંધ થઇ ગઇ. મૃત્યુ નજર સામે નાચતું હોવા છતા આ છોકરીના ચહેરા પર સ્મિત હતું. એમના મમ્મીએ પોતાની એક કીડની દાનમાં આપી અને યુવતી યમરાજાના દ્વારેથી પાછી આવી.અનેક તકલીફોની વચ્ચે પણ એ પુરી મસ્તીથી પ્રભુએ આપેલા જીવનને કોઇપણ જાતની ફરીયાદો કર્યા સીવાય મનભરીને માણી રહી હતી.

મમ્મીએ આપેલી કીડનીએ 10 વર્ષ સારી રીતે કામ આપ્યા બાદ અચાનક કામ કરવાનું બંધ કર્યુ. એમને ફરીથી હોસ્પીટલાઇઝ કરવી પડી અને 22 દિવસ હોસ્પીટલમાં રાખી. આ દિવસો દરમ્યાન એણે કેટલાય એવા ગરીબ દર્દીઓને હોસ્પીટલમાં આવતા જોયા જે ડોકટરની સલાહ પ્રમાણે પુરતા ડાયાલીસીસ ન કરી શકવાને કારણે મોતના મુખમાં ઘકેલાતા હોય. ડોકટરે 3 ડાયાલીસીસ કરવાની સલાહ આપી હોય પણ પુરતા પૈસા ન હોવાથી ગરીબ દર્દી 3 ને બદલે 2 ડાયાલીસીસ કરાવે અને ખેંચી શકાય એટલી જીવનની દોરીને ખેંચવાનો પ્રયાસ કરે.

આ યુવતીએ દર્દીઓની આ દયનિય સ્થિતી જોઇ ત્યારે એનું હદય દ્રવી ઉઠ્યુ અને એણે પથારીમાં બેઠા બેઠા જ આ ગરીબ દર્દીઓ માટે જે કંઇ થઇ શકે તે કરવાનું નક્કી કર્યુ. એ ભરતનાટ્યમના ખુબ સારા ડાન્સર હતા એટલે ડાન્સ શો કરીને ગરીબ દર્દીઓ માટે ફંડ એકઠું કરવાનો એણે સંકલ્પ કર્યો. પોતાની અંગત પીડાને અને એની શારીરીક કમજોરીને ધ્યાને લીધા વગર એણે ડાન્સના શો શરુ કર્યા.

દિવસમાં ત્રણ વખત ડાયાલીસીસ કરાવવું પડે એવી સ્થિતીએ પહોંચેલી આ હિંમતવાન નારીએ ડાન્સ શોના માધ્યમથી 80 લાખ રૂપિયાથી વધુ ફંડ ભેગુ કરીને કીડનીના ગરીબ દર્દીઓની સારવાર માટે આપ્યુ. અનેકને નવુ જીવન આપનારી આ નારીનો જીવનદિપ તા.3-8-2015ના રોજ બુઝાઇ ગયો. જીવન અને મૃત્યુ વચ્ચેની આ લડાઇમાં અંતિમ શ્વાસ સુધી એના ચહેરા પર સ્મિત હતુ.
આ ગરવી ગુજરાતણનું નામ છે , નીકિતા ઘીયા.
ગુજરાત સરકાર સ્ત્રીસશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરી રહી છે ત્યારે સ્ત્રીસશક્તિકરણના આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ નિકીતા ઘીયાને શત શત વંદન.

વૃક્ષ આપણા માતા-પિતા Download
એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ ( આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે , કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સુઇ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો.

બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું ઓછુ કરી દીધુ. અમુક સમય પછી તો સાવ આવતો જ બંધ થઇ ગયો.આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એકદિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતા જોયો. આંબો તો ખુશ થઇ ગયો.

બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યુ , " તું ક્યાં ચાલ્યો ગયો હતો ? હું રોજ તને યાદ કરતો હતો. ચાલ હવે આપણે બંને રમીએ." બાળક હવે મોટો થઇ ગયો હતો એણે આંબાને કહ્યુ , " હવે મારી રમવાની ઉંમર નથી. મારે ભણવાનું છે પણ મારી પાસે ફી ભરવાના પૈસા નથી. " આંબાએ કહ્યુ , " તું મારી કેરીઓ લઇ જા એ બજારમાં વેંચીશ એટલે તને ઘણા પૈસા મળશે એમાથી તું તારી ફી ભરી આપજે." બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો.

ફરીથી એ ત્યાં ડોકાયો જ નહી. આંબો તો એની રોજ રાહ જોતો એક દિવસ અચાનક એ આવ્યો અને કહ્યુ , " હવે તો મારા લગ્ન થઇ ગયા છે. મને નોકરી મળી છે એનાથી ઘર ચાલે છે પણ મારે મારુ પોતાનું ઘર બનાવવું છે એ માટે મારી પાસે પૈસા નથી. " આંબાએ કહ્યુ , " ચિંતા ન કર. મારી બધી ડાળીઓ કાપીને લઇ જા એમાંથી તારુ ઘર બનાવ." યુવાને આંબાની ડાળીઓ કાપી અને ચાલતો થયો.
આંબો હવે તો સાવ ઠુંઠો થઇ ગયો હતો.કોઇ એની સામે પણ ન જુવે. આંબાએ પણ હવે પેલો બાળક પોતાની પાસે આવશે એવી આશા છોડી દીધી હતી. એક દિવસ એક વૃધ્ધ ત્યાં આવ્યો. એણે આંબાને કહ્યુ , " તમે મને નહી ઓળખો પણ હું એ જ બાળક છું જે વારંવાર તમારી પાસે આવતો અને તમે મદદ કરતા." આંબાએ દુ:ખ સાથે કહ્યુ , " પણ બેટા હવે મારી પાસે એવું કંઇ નથી જે હું તને આપી શકું "
વૃધ્ધે આંખમાં આંસુ સાથે કહ્યુ , " આજે કંઇ લેવા નથી આવ્યો આજે તો મારે તમારી સાથે રમવું છે. તમારા ખોળામાં માથુ મુકીને સુઇ જવુ છે" આટલુ કહીને એ રડતા રડતા આંબાને ભેટી પડ્યો અને આંબાની સુકાયેલી ડાળોમાં પણ નવા અંકુર ફુટયા.
વૃક્ષ એ આપણા માતા-પિતા જેવુ છે જ્યારે નાના હતા ત્યારે એમની સાથે રમવુ ખુબ ગમતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનાથી દુર થતા ગયા નજીક ત્યારે જ આવ્યા જ્યારે કોઇ જરુરીયાત ઉભી થઇ કે કોઇ સમસ્યા આવી. આજે પણ એ ઠુંઠા વૃક્ષની જેમ રાહ જુવે છે આપણે જઇને એને ભેટીએ ને એને ઘડપણમાં ફરીથી કૂંપણો ફુટે. અમારા એ દાદા, વિપુલ વડના ઝુંડ સરખા, વિશાળી છાયાએ સકલ અમ સંતાપ હરતા, હજારો બાહુઓ પ્રણયમય વિસ્તારિત કરી લઇ હૈયે ઉંડે ભરતા હદયે ટાઢક ભલી. - પૂજાલાલ દલવાડી

માન્યતાઓને બદલતા શીખીએ Download
પ્રાણીવિજ્ઞાનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન કર્યુ. જ્યારે બચ્ચુ ઇંડામાંથી બહાર આવે ત્યારે તુંરત જ એની માંની પાછળ દોડવા માંડે. સંશોધકે પોતાના સતત નિરિક્ષણથી જોયુ કે ઇંડામાંથી બહાર નીકળતું બચ્ચુ સૌથી પહેલા જેને જુવે છે એને જ પોતાની મા સમજે છે અને એની પાછળ દોડે છે.

આ સંશોધકે કેટલાક ઇંડાઓ પર સંશોધન કર્યુ. જ્યારે ઇંડામાંથી બચ્ચુ બહાર નીકળવાની તૈયારી હોય એ વખતે મરઘીને ઇંડાથી દુર કરીને મરઘીની જ્ગ્યાએ એના આકારનો એક હવા ભરેલો ફુગ્ગો રાખવામાં આવ્યો. બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળ્યુ અને એની પહેલી જ નજર આ ફુગ્ગા પર પડી. પછી ફુગ્ગાને ખસેડવામાં આવ્યો તો બચ્ચુ પણ ત્યાં જ ગયુ.

બચ્ચુ ફુગ્ગાની પાછળ દોડા-દોડી કરે. એને સાચી મરઘી પાસે લઇ જવામાં આવે તો એનાથી ડરે અને દોડીને ફુગ્ગા પાસે પાછું આવી જાય. ફુગ્ગાને પોતાની મા સમજીને એને ચોંટી રહે. ભુખ લાગે એટલે પોતાની ચાંચ આ ફુગ્ગા પાસે જઇને પહોળી કરે જેથી એને એની મા ખાવાનું આપે. ફુગ્ગા તરફથી કોઇ પ્રતિભાવ ન મળે તો પણ એ ફુગ્ગાને છોડવા તૈયાર થાય નહી.

એણે જેટલા ઇંડા પર પ્રયોગ કર્યો એ તમામમાં એને આ જોવા મળ્યુ. મરઘીનું બચ્ચુ ભુખ્યુ મરી ગયુ પણ એને ફુગ્ગાથી દુર જવાનું પસંદ ન કર્યુ કારણકે ફુગ્ગો જ એને મા લાગતી હતી. સંશોધકે પોતાના તારણમાં નોંધ્યુ કે જે એને પહેલા દેખાયુ એ જ એને સત્ય મનાયુ.

આપણે પણ આ મરઘીના બચ્ચા જેવા જ છીએ પહેલી વખત કોઇના વિષે જે માન્યતા બંધાય છે એ આપણે છોડી શકતા જ નથી. માન્યતાઓને બદલતા શીખીએ નહીતર મરઘીના બચ્ચાની જેમ મરી જઇશુ અને સત્યથી દુર રહી જઇશુ.