STORY : Category Wise Filter

સેવાભાવી યુવા મિત્રોને કોટી- કોટી વંદન. Download
ભલે સમય લાગે આ ઘટનાને પુરે પુરી વાંચજો અને ગમે તો મિત્રોને શેર કરજો.

ગયા અઠવાડીએ મેઘરાજાએ એનુ રૌદ્રરૂપ બતાવીને સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓને તારાજ કર્યા એ આપણે બધા જ જાણીએ છીએ. જે ગામડાઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે એને મદદ કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવ્યા અને એમના માટે જમવાનુ, કપડા, વાસણ વગેરે લાવ્યા. આ મદદ કરનારાઓમાં યુવાનો ખુબ મોટી સંખ્યામાં હતા એની નોંધ વડીલોએ ખાસ લેવી.

ગોંડલની બાજુમાં ડોડીયાળા નામનું એક નાનુ ગામડુ આવેલુ છે. આ ગામના યુવાનોએ સ્વામી વિવેકાનંદ યુવાશક્તિ ટ્રસ્ટ નામની સંસ્થા બનાવી છે. મોટા ભાગના યુવાનો બહારગામ અભ્યાસ કરે છે. હમણા જે પુરહોનારત થઇ એનાથી વ્યથિત થઇને આ યુવાનો પણ મદદ કરવા માટે અસરગ્રસ્ત ગામમાં પહોંચ્યા. ત્યાં જઇને એમણે જોયુ કે લોકોને જમવા માટેનું તો જરૂરીયાત કરતા વધુ છે પરંતું લોકોને બીજી કેટલીક મદદની પણ જરૂર છે.

ખુબ વરસાદને કારણે પાણીમાં તણાવાથી ટ્રેકટર અને એવા બીજા નાના-મોટા મશીનો કામ કરતા બંધ થઇ ગયા હતા તો સાથે સાથે ઘરવપરાશના ઇલેક્ટ્રીક ઉપકરણો પણ બંધ થઇ ગયા હતા. આ યુવાનોએ વિચાર્યુ કે આ બંધ પડેલા ભારેખમ સાધનો રીપેરીંગ માટે મોટા શહેર સુધી લઇ જવામાં ઘણી મુશ્કેલી થાય બીજી બાજુ ગામડામાં ટેકનીકલ એકસપર્ટ મળવા પણ મુશ્કેલ હોય. ગામડાના આ લોકોને જમવાની અને પહેરવાના કપડાની વ્યવસ્થા તો ઘણા લોકો કરી રહ્યા છે તો આપણે આ લોકોને એના મશીન અને ઇલેક્ટ્રીક સાધનો રીપેર કરી આપવાની મદદ કરીએ.
ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઇ શીરોયા અને સભ્યો વિપુલ ત્રાપસિયા, પિયુષ વાડોદરીયા સહીત 10 થી 12 યુવાનોની ટેકનીકલ ટીમ આ માટે તૈયાર થઇ આ ટીમમાં ઇલેક્ટ્રીક સાધનોના જાણકારને લેવામાં આવ્યા અને ફાર્મા ટ્રેકટરની એજન્સી ધરાવતા કિશોરભાઇ વાછાણી પાસેથી ટ્રેકટર રીપેરીંગના એકસ્પર્ટ માણસોની મદદ લીધી. આ આખી ટીમ પોતાની સાથે રીપેરીંગનો જરૂરી સામાન તથા કેટલાક સ્પેરપાર્ટ લઇને ગામડાઓમાં પહોંચી ગયા.
છેલ્લા 4 દિવસથી આ ટીમ અસરગ્રસ્ત ગામડાઓના રહેવાસીઓના મશીનો અને ઇલેકટ્રીક સાધનો રીપેર કરવાની કામગીરી કરી રહી છે અને હજુ એકાદ અઠવાડીયા સુધી આ કામ કરવાના છે. કોઇપણ જાતનો ચાર્જ લીધા વગર પોતાના રોટલા ખાઇને અને પોતાના પૈસાથી સ્પેરપાર્ટ લાવી આપીને સાધનો રીપેરીંગ કરી આપવાની આ સેવા કાબીલે દાદ છે.
આ પ્રકારે પણ લોકોની સેવા થઇ શકે એવા ઉમદા વિચારને સો સો સલામ અને આ વિચાર માત્ર વિચાર ન રહેતા એને વાસ્તવિકતામાં બદલનાર તમામ સેવાભાવી યુવા મિત્રોને કોટી- કોટી વંદન.